Connect Gujarat
ભરૂચ

ભરૂચ : યુક્રેનથી હેમખેમ પરત આવેલ યુવતીની સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લીધી...

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 11 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આવા સમયે ભારત દેશ સહિત ગુજરાત અને ભરૂચ જિલ્લાના અનેક યુવક-યુવતીઓ ત્યાં ફસાયા હતા.

ભરૂચ : યુક્રેનથી હેમખેમ પરત આવેલ યુવતીની સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લીધી...
X

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 11 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આવા સમયે ભારત દેશ સહિત ગુજરાત અને ભરૂચ જિલ્લાના અનેક યુવક-યુવતીઓ ત્યાં ફસાયા હતા. જે પૈકી ભરૂચની એક યુવતી ક્ષેમકુશળ પરત આવતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે તેમની મુલાકાત લઈ સારા ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.

ભરૂચ શહેરના કોટ પારસીવાડ વિસ્તારમાં રહેતી યુવતી આયેશા ગુલામ મુસ્તુફા શેખ યુક્રેનમાં આવેલા ટર્નોપિલ શહેરની ઈવાન હોર્બાચેવ્સ્કી નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં MBBSના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. જોકે, યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે તેણી ખરાબ પરિસ્થિતી સાથે યુક્રેનમાં જ ફસાઈ હતી. પરિસ્થિતિ બદથી બદતર થતાં શહેરમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. ઉપરાંત સમાચાર આવતા હતા કે, રશિયન સૈનિકો ભારી માત્રામાં એક્સપ્લોઝિવ સાથે આવી રહ્યા છે. આયેશા જ્યાં રહેતી હતી, ત્યાં નજીક જ એક મિસાઈલના ધડાકાએ સૌને ધ્રુજાવી દીધા હતા. આયેશાએ પોતાના વિડીયોમાં આ વાત કહી હતી કે, તેઓ નજીકના જ બંકરમાં આશરો લેવા ગયા તો ત્યાં પણ બંકર ફુલ હોવાનું જણાવી તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

આ બાદ ભારત સરકાર અને સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે આ અંગે સંનિષ્ઠ પ્રયત્નો કરી તેમને પરત લાવવાની વ્યવસ્થા ગોઠવી હતી. આયેશા પરત આવતાં દિલ્હીથી સુરત સુધી લાવવાની વ્યવસ્થા પણ મુમતાઝ પટેલે કરી હતી. જોકે, આયેશા ઘરે હેમખેમ પહોંચતાં પરિવારજનોમાં પણ રાહત અને આનંદની લાગણી પ્રસરી છે. રવિવારના રોજ સુરતથી ઘરે આવી પહોંચેલ આયેશાના પરિવારની સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી. તેમણે આયેશાની આપવીતી સાંભળી હતી અને પરત આવવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે જ પરિવારજનોને પણ સાંત્વના આપી હતી. તેમજ આગામી દિવસોમાં કોઈપણ જરૂર હોય તો પોતે સાથે હોવાની ખાતરી પણ આપી હતી.

Next Story