Connect Gujarat
ગુજરાત

અમદવાદ : ચાંદલોડિયા વિસ્તારમાં પત્રકાર પર હિચકારો હુમલો, પોલીસે શરૂ કરી તપાસ

અમદાવાદમાં આજકાલ પોલીસ અને પત્રકારો પર હુમલાની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે

અમદવાદ : ચાંદલોડિયા વિસ્તારમાં પત્રકાર પર હિચકારો હુમલો, પોલીસે શરૂ કરી તપાસ
X

અમદાવાદમાં આજકાલ પોલીસ અને પત્રકારો પર હુમલાની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે ફરી એકવાર પત્રકાર પર હુમલાની ઘટના સામે આવી છે. અમદાવાદ ખાતે ક્રાઇમ તહેલકા સાપ્તાહિકના તંત્રી દિનેશ કલાલ પર અમુક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભરત સુખી અને તેના માણસો દ્વારા આ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે સોલા પોલીસે આ તમામ લોકો સામે ફરિયાદ દાખલ કરી તેમને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

અમદાવાદ ચાંદલોડિયા ખાતે સાંજના સુમારે એક પત્રકાર પર 10થી 12 અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પત્રકાર દિનેશ કલાલને તેમના નિવાસ સ્થાનેથી છેતરી બહાર બોલાવી તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ હુમલો કોઈ અંગત અદાવતમાં કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલો કરનાર ચાંદલોડિયાનો કુખ્યાત બુટલેગર ભરત સુખી અને તેના માણસો દ્વારા કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વાર જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી દિનેશ કલાલને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ બાબતને લઈને પત્રકાર એકતા સંઘ દ્વારા અમદાવાદ પોલીસ કમિશ્નરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવશે, ત્યારે હાલ તો સોલા પોલીસે ભરત સુખી સહિત 10થી 12 લોકો સામે ગુન્હો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Next Story