પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોરોના રસીકરણમાં 100 કરોડનો લક્ષ્ય પાર કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ અવસરે ગાંધીનગરમાં સેકટર 2ના અર્બન હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા અને રસીકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
કોરોના સામે રક્ષણ માટે દેશમાં રસીકરણ હેઠળ આપવામાં આવેલ ડોઝની સંખ્યા 100 કરોડ પાર થઈ ગઈ છે. આ દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રસીકરણ માટે પાત્ર લોકોને વિલંબ વગર રસી અપાવવા અને ભારતની ઐતિહાસિક રસીકરણ યાત્રામાં યોગદાન આપવા અપીલ કરી હતી.આજે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય સચિવ સહિત પત્રકાર પરિષદમાં રસીકરણના રેકોર્ડની ઉજવણીની જાહેરાત કરી શકે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં રસીકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આરોગ્યકર્મીઓનું મોં મીઠું કરાવ્યું હતું મુખ્યમંત્રીએ આ સિધ્ધિ મેળવવા માટે પોતાનું યોગદાન આપનારા આરોગ્ય સેવા કર્મીઓનું મોં મીઠું કરાવી સફળતાની શુભેચ્છા આપી હતી.ભૂપેન્દ્ર પટેલે આ આરોગ્ય કેન્દ્રમાં રસીનો ડોઝ લેવા આવેલા નાગરિકો સાથે સંવાદ પણ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, માત્ર 278 દિવસમાં કોવીડ રસીકરણના 100 કરોડ ડોઝ વિનામૂલ્યે અને સમયબધ્ધ આપી દેશવાસીઓને કોરોના સામે કવચ પૂરું પાડવા બદલ વડાપ્રધાન મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.આ સીમાચિન્હ પાર કરવા બદલ આરોગ્યકર્મીઓ,ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને સૌ દેશવાસીઓને અભિનંદન.