મહીસાગર જિલ્લાના દુધેલા ગામે પ્રેમીએ પ્રેમિકાની ચપ્પુના ધા મારી હત્યા નિપજાવી છે, ત્યારે ચકચારી હત્યાના મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ મથક વિસ્તારની હદમાં આવેલા દુધેલા ગામે એક તરફી પ્રેમમાં પાગલ બનેલ પ્રેમી શૈલેષ પગીએ પ્રેમિકાને છાતીના ભાગે ચપ્પુના ધા મારી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે નાયબ જિલ્લા પોલીસવડા અને ક્રાઇમ બ્રાન્ચ સહિત વીરપુર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આ બન્ને છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતા. જોકે, યુવતીના એક વર્ષ અગાઉ અન્ય જગ્યાએ લગ્ન થયા હતા, બાદમાં તેણીને પ્રેમ સંબંધ મંજુર ન હતો.
આ સાથે જ તે પોતાના લગ્નજીવનમાં ખુશ હતી, પરંતુ પ્રેમ સંબંધની જાણ તેણીના પતિ અને પરિવારજનો થતાં બન્ને વચ્ચે ઝઘડો અને તકરાર ચાલવા લાગી હતી. ત્યારબાદ પતિ-પત્નીના છૂટા છેડા થયા હતા. છૂટા છેડા બાદ શૈલેષ પગી દ્વારા વારંવાર પ્રેમિકા પાસે પ્રેમ સબંધની ખોટી રીતે માંગણી કરવામાં આવતી હતી. પરંતુ યુવતીનું લગ્ન જીવન પ્રેમ સંબંધમાં બગડ્યું હોવાથી તેણીને પ્રેમ સંબંધ કદાપિ મંજુર ન હતો, ત્યારે આખરે પ્રેમીએ એક તરફી પ્રેમમાં પાગલ બનીને પ્રેમિકાને છાતીના ભાગે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. આ સાથે જ હત્યારા પ્રેમીએ પણ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત વીરપુર પોલીસના હાથે આરોપી પ્રેમી ઝડપાઇ ગયો હતો.