આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજરોજ રાજકોટની એક દિવસની મુલાકાતે આવ્યા છે, ત્યારે રાજકોટના એરપોર્ટ ખાતે અરવિંદ કેજરીવાલના સ્વાગત માટે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
ગુજરાતમાં આગામી વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ જોરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ ખાતે આજે એક દિવસની મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલનું બપોરે 2.30 વાગ્યે રાજકોટના એરપોર્ટ પર આગમન થયું હતું. અહીં આપના નેતા ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ અરવિંદ કેજરીવાલને સૂતરની આંટી પહેરાવી સ્વાગત કર્યું હતું. બાદમાં અરવિંદ કેજરીવાલ ઇમ્પીરિયલ પેલેસ હોટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં સામાજિક આગેવાનો અને વેપાર-ઉદ્યોગ સંગઠનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગકારો અને સામાજિક આગેવાનો સાથેની બેઠક પડતી મુકી માત્ર ઔપચારિક મિટીંગ રાખ્યાની ચર્ચા થઈ રહી છે. જોકે, સાંજે 6 વાગ્યે શાસ્ત્રી મેદાન ખાતે અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભામાં કેજરીવાલ પર હુમલો થવાની ભીતિ આમ આદમી પાર્ટી દ્વારા વ્યક્ત કરવામાં આવતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. જેના કારણે સભાસ્થળે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે.