/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/IMG_20180824_182304.jpg)
ભરૂચમાં ફેસબુક પર પરિણિત મહિલાનું ફેક એકાઉન્ટ બનાવી તેના પર તેના ફોટાઓ મૂકી મહિલાને બદનામ કરવાના ઇરાદે ફેસબુક એકાઉન્ટ બનાવનાર યુવાનને ભરૂચના સાઇબર ક્રાઈમ વિભાગે આઇ.પી. એડ્રેસના આધારે શોધી તેની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના દાંડા ગામનો ગજેન્દ્ર ભૂપસિંહ છેલ્લા કેટલાક સમયથી ભરૂચની રચના નગર સોસાયટીમાં રહે છે. ગજેન્દ્રએ ભરૂચની એક પરિણિતાને બદનામ કરવાના ઇરાદે તેનું ફેક એફ.બી.એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટ પર મહિલાના ફોટાઓ મૂકી એફ.બી.ના મેસેન્જર પર બિભત્સ હરકતો કરી હેરાન કરતો હતો. આ અંગે મહિલાના પતિને તેણીએ જાણ કરતા તેણે ભરૂચના એ–ડિવિઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ ભરૂચ પોલીસના સાઇબર વિભાગને સોંપવામાં આવી હતી. સાઇબર સેલની ટીમે ફેસબુક એકાઉન્ટના આઇ.ડી. મંગાવી આઇ.પી. એડ્રેસના આધારે ગજેન્દ્રને શોધી કાઢયો હતો અને તેની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. ગજેન્દ્ર ભૂપસિંગની પૂછતાછમાં તેણે નવ જેટલા ખોટા એફ.બી. એકાઉન્ટ બનાવ્યા હતા અને આ એકાઉન્ટ બનાવી મહિલાઓને બદનામ કરવામાં તેને મજા આવતી હોવાની કબૂલાત કરી હતી.