વડોદરા જિલ્લાના કરજણ ખાતે પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધારા સામે કરજણ તાલુકા કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન યોજાયું હતું. દેશ સહિત રાજ્યમાં દિનપ્રતિદિન મોંઘવારીમાં વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરી પેટ્રોલ-ડીઝલ અને ગેસની કિંમતોમાં રોજબરોજ વધારો નોંધાતા સામાન્ય વ્યક્તિ માટે જીવન જીવવું મુશ્કેલી સમાન બન્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામે "મહંગાઈ મુક્ત ભારત અભિયાન"ની શરૂઆત કરી સરકારને ઘેરવાનો પ્રયાસ કરાયો છે. સમગ્ર રાજ્યના વિવિધ શહેરોમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે ઉગ્ર વિરોધ પ્રદશનો થઇ રહ્યા છે.
કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરજણ ખાતે રવિવારે પેટ્રોલ-ડીઝલ અને ગેસ સહિતની વસ્તુઓ પર વધતા ભાવ વધારા તેમજ મોંઘવારી સામે મોરચો માંડ્યો હતો. કરજણ ખાતે ધરણા પ્રદર્શન યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોંઘવારી વિરુદ્ધ હાથમાં બેનરો અને પોસ્ટરો લઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. ભારે સૂત્રોચ્ચાર કરી વાતવરણ ગજવી મુક્યું હતું. આયોજિત ધરણા પ્રદર્શન કાર્યકમમાં કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીન્ટુ પટેલ, વડોદરા જિલ્લા કોંગ્રેસ સંગઠન મંત્રી અભિષેક ઉપાધ્યાય, ભાસ્કર ભટ્ટ, મહેબુબ મલેક, નીલા ઉપાધ્યાય અને લતા સોની સહિત કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.