સુરતમાં ફરી માનવતાની મહેક ફેલાવતો કિસ્સા સામે આવ્યો છે જેને સમાજને નવી દિશા ચિંધે છે.સુરતમાં મીનાક્ષીબેન રાણા નામની બ્રેઈન ડેડ મહિલાના અંગોનું દાન કરતા હવે પાંચ લોકોને નવું જીવન મળશે, બ્રેઈન ડેડ મહિલાના લીવર, બે કિડની અને આંખોનું દાન કરાયું છે. સુરતના ગોલવાડ ખાતે રહેતા મીનાક્ષીબેન રાણાને બારડોલી નજીક એક્ટિવા પર જતા ગંભીર અકસ્માત નડ્યો હતો. ગત 9 નવેમ્બરે સવારે મહુવા ખાતે આવેલ વિઘ્નેશ્વર દાદાના મંદિરે દર્શન કરવા જતા મીનાક્ષીબેન રાણાને બારડોલી હાઇવે પર અજાણ્યા વાહન ટક્કર મારી હતી
જેમાં મીનાક્ષીબેનને ગંભીર ઈજા થતા તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમનું સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાથી વધુ સારવાર માટે પરિવારજનોએ સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા પરતું બુધવારે ડોક્ટરે મીનાક્ષીબેનને બ્રેનડેડ જાહેર કર્યા હતા. જે બાદ ડોનેટ લાઈફની ટીમ દ્વારા પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. મીનાક્ષીબેન રાણાના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરાયું છે દાનમાં મળેલી બંને કિડની જરૂરિયાતમંદ વ્યક્તિઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે તથા લિવરનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મહેસાણાના રહેતા 41 વર્ષીય વ્યક્તિમાં કરવામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આમ અંગદાન મહાદાન થકી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષીને માનવતાની મહેક ફેલાવી છે.